દીકરી એ દયાની મૂર્તિ



મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે.
એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે,
પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે.
અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે,
પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે.
કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી.
બસ,
દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે.
પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે.
અને એટલે જ તો જ્યારે દીકરી ની વિદાય થતી હોય ત્યારે, બાપના દિલ ની વેદના અસહ્ય હોય છે,

અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ દાદભાઈએ
‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’
આવી અદભૂત વાત ગાઈ છે.
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય
અને લોકોને લાગે પણ છે,
પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે
બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે,
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે.
જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે.
અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે.
એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

પુત્ર બાપના એક જ કુળને તારે છે,
પરંતુ દીકરી બન્ને કુળને તારતી હોય છે.