યશોદા મૈયા, તારો કનૈયો, જરા પણ ન સુધરે, એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ, કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?
મુરલી ધરનારો, તારો લાડલો, વગાડે વાંસળી અડધી રાતના,
સાસુ, નણંદ જો સાંભળે, લાગે ખરાબ, બોલાવે અડધી રાતના,
વાંસળી વગાડી, સૌ ને જગાડી, રમવા રાસ બોલાવે,એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ, કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?
માખણ નથી શું તેને, શા માટે સખા સાથે માખણ ચોરતો,
ઉપર લટકાવી માટલી, તો પણ તેને તે નથી છોડતો,
પોતે તો ખાય, બીજાને પણ ખવડાવે, આમ મુજને પજાવે, એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ,કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?
કેમ રે કહેવુ મારે, લાજ આવે રે મુજને,
રોકુ તો કેમ રોકુ, ન ગણકારે એ મુજને,
ચીર ચોરે, ચુપચાપ છુપાય, કેમ લાજ બચાવીયે, એને શું થયુ છે?
કોઇનુ માખણ, કોઇની ઊંઘ, કોઇનુ ચીત, ચોરે, એને શું થયુ છે?