મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં




મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.
એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.
માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.