સફળતા – સ્વામી વિવેકાનંદ
કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે, ભલે હજરો વાર એ ઠોકર ખાય, પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.