બધા મિત્રો ને દિવાળી ને હાર્દિક શુભેચ્છા પણ આ વાંચવાનું નું ભૂલતા નહિ.
બધા મિત્રો ને દિવાળી ને હાર્દિક શુભેચ્છા પણ આ વાંચવાનું નું ભૂલતા નહિ.
ફટાકડા ફોડો ત્યારે આ ટાબરિયાંને ભૂલતાં નહીં
સરેરાશ દર વરસે અહીં દોઢસોથી બસો બાળકો જીવતાં બળી મરે છે. ગમે ત્યારે વિસ્ફોટ થાય છે અને આ બાળકોના ફુરચા ઊડી જાય છે.
સવારના લગભગ સવા છ- સાડા છ વાગ્યા છે. લગભગ ગામના છેવાડે થોડાંક બાળકો ઊભાં છે. મોટા ભાગનાં બાળકોની આંખો ઊંઘરેટી છે. એકેયના ચહેરા પર નૂર નથી. લગભગ દરેકના કોઇ ને કોઇ અવયવ પર ડામ દીધા જેવા ડાઘ છે. ખરેખર તો એ બધાં ક્યારેક ને ક્યારેક દાઝી ગયાં છે. એક વાહન આવે છે. એમાંથી ઊતરેલો સુપરવાઇઝર જાનવરોને હૈડ હૈડ કરતો હોય એમ આ બધાંને ટેમ્પોમાં ઠાંસી દે છે. ટેમ્પો સીધો કારખાના તરીકે ઓળખાતા એક પતરાના શેડ પાસે જઇને ઊભો રહે છે.
તરત પેલો સુપરવાઇઝર બૂમબરાડા પાડતો બાળકોને અંદર ધકેલે છે- ચલો, કામ શરૂ કરો... આ કહેવાતા કારખાનામાં ન પીવાના પાણીની વ્યવસ્થા છે, ન કુદરતી હાજત સંતોષવાની કોઇ જોગવાઇ છે. તમે ત્યાં ઊભા રહો તો ગંધક અને પોટાશની વાસથી બે મિનિટમાં તમારું માથું ભમી જાય...
આ છે આપણે જેને ફટાકડા તરીકે ઓળખીએ છીએ એ દારુખાનું બનાવતું દેશનું સૌથી મોટું કેન્દ્ર "શિવાકાશી" કાશી તો ગંગા તીરે વસેલું પ્રાચીન પવિત્ર નગર છે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જગપ્રસિદ્ધ છે. પરંતુ આ શિવાકાશી ગરીબ પરિવારનાં બાળકો માટે નર્કાગાર સમું છે.
દેશભરમાં લગભગ બારેમાસ કોઇ ને કોઇ ઉત્સવ ઊજવાતો રહે છે. એ માટે શિવાકાશીમાં સતત ફટાકડા બનતા રહે છે. પરંતુ એ સાથે એ હકીકત પણ નોંધવી જોઇએ કે સરેરાશ દર વરસે અહીં દોઢસોથી બસો બાળકો જીવતાં બળી મરે છે. ગમે ત્યારે વિસ્ફોટ થાય છે અને આ બાળકોના ફુરચા ઊડી જાય છે પરંતુ શિવાકાશીના કારખાના માલિકને કોઇ આતંકવાદી કહેતું નથી. સિક્યોરિટીના નામે અહીં સોગન ખાવા પૂરતીય વ્યવસ્થા નથી. અરે, વેન્ટિલેશનની પણ વ્યવસ્થા નથી હોતી એટલે ઘણાં બાળકોને ગૂંગળામણનો અનુભવ થાય છે.
આપણે દિવાળીના સપરમા તહેવારે જ્યારે આતશબાજી કરતાં હોઇએ ત્યારે આ બાળકો શ્વાસની બીમારીનો ભોગ બનીને ખાટલામાં પડ્યાં હોય છે. રોજ સરેરાશ બાર કલાક કામ કરીને એમને રોકડા ર૦થી ૩૦ રૂપિયા મળે છે, બસ.
લગભગ છેલ્લાં ૫૦-૬૦ વરસથી આ જ પરિસ્થિતિ છે. તામિલનાડુમાં કેટલીય રાજ્ય સરકારો આવી ને ગઇ. દિલ્હીમાં પણ કેટલીય સરકારો આવી ને ગઇ. પરંતુ આ વિસ્તારના ગરીબ પરિવારોનાં બાળકોની સ્થિતિ હજુય પહેલાં જેવી જ છે. મોટા ભાગનાં બાળકોને સ્કૂલ કોને કહેવાય એની ખબર જ નથી. આપણા આનંદ માટે એ લોકો પોતાનું બાળપણ સમર્પી દે છે. ક્યારેક અકાળે મોતને વરે છે. એમને કોઇ શહીદ કહેતું નથી. એમનાં પરિવારને કોઇ વળતર મળતું નથી.
ફટાકડાનાં કારખાના માલિકો પોતાના પતરાના શેડનો કે માલ-સામાનનો વીમો ઊતારે ખરા પણ આ બાળકોની જંિદગી ત્યાં સાવ સસ્તી છે. રાજ્ય સરકારના ચીફ ઇન્સપેક્ટર ઑફ ફેક્ટરીઝનું એક કાયમી બહાનું છેઃ અમારી પાસે સ્ટાફની ઓછપ છે. અમે કેટલે પહોંચી વળીએ ? રસપ્રદ મુદ્દો એ છે કે જે વિસ્તારમાં ફટાકડાના ગેરકાયદે કારખાનાં આવેલાં છે એ જિલ્લાનું નામ છે વિરુદ્ધનગર. આ જિલ્લાના થીરુહંગલ, અમ્માપટ્ટી, થાયલપટ્ટી,અનૈકુટ્ટમ, રામલંિગપુરમ્, કોટ્ટાઇયુર, દુરાઇસામીપુરમ્, વિશ્વનાથમ્ વગેરે ગામડાં આવાં કારખાનાંથી ધમધમે છે.
આસો મહિનાના વદ પખવાડિયામાં આપણાં અંધારાને ઉલેચવા આ ટાબરિયાં પોતાનો ખૂન-પસીનો વહાવે છે. આપણે તો સીઝનલ માલની દુકાનોમાં પૈસા ચૂકવીને ફટાકડા ઘેર લઇ જઇએ છીએ અને ચપટી વગાડવા જેટલા સમયમાં આપણાં બાળકો એ ફટાકડા ફોડીને પસીનાના પૈસાનો ઘૂમાડો કરી નાખે છે. પરંતુ શિવાકાશીમાં અસંખ્ય બાળકો જાનના જોખમે આ ફટાકડા બનાવે છે. અહીં કોઇ બાળ મજૂર વિરોધી કાયદાની વાત કરતું નથી. લાગતા-વળગતાં બધાં સરકારી ખાતાંમાં ‘ચા-પાણી’ પહોંચી જાય છે.
દેશભરમાં શિવાકાશીના ફટાકડા વપરાય છે. એ જ રીતે ૭૫ ટકા મેચબોક્સ (માચીસ ) અહીં બને છે. અહીં ધમધમતાં પ્રિન્ટીંગ પ્રેસ આ ફટાકડા માટે અને મેચબોક્સ માટે લેબલ્સ અને પેકિંગ મટિરિયલ બનાવે છે. અલબત્ત, કેલેન્ડર્સ પણ ખરાં. દર વરસે તામિલનાડુ ફાયરવર્ક્સ એન્ડ એમોર્સિસ એસોસિયેશન (ટીએફએએ) છાતી ઠોકીને દાવો કરે છે કે અમારા એક પણ કારખાનામાં બાળ મજૂર નથી. હકીકત જુદી છે.
બીબીસી જેવી જગવિખ્યાત સંસ્થા કે નેશનલ જ્યોગ્રાફિક જેવાં જગમશહૂર સામયિકો આ વિષય પર માતબર પ્રદાન કરી ચૂક્યા છે. પરંતુ તામિલનાડુ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને આ મુદે કશું કરવાનો ન સમય છે, ન એમાં કોઇ રસ છે. બાળકો ક્યાં મત આપવા જવાના છે કે એમને ઊગારવા પોલિટિશિયનો કંઇ કરે !
પરંતુ આપણે દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડીએ ત્યારે આ મજબૂર બાળકોને જરૂર યાદ કરવાં જોઇએ. બોલો, કરશો ને ?