હું મેના....



હું મેના....
મુક્ત ગગનમાં વિહરતી ને આકાશે વાતો કરતી...
ડાળીએ ડાળીએ બેસતી ને મીઠાં ગીતો ગાતી.....
જીવનસંગીતના સૌ રાગોમાં મસ્તીથી ઝૂમતી........

એક દિવસ અનાયાસે......
આ મેના એક પિંજરે પૂરાઇ ગઇ,
મોટું પિંજર હતું વિશાળ સોનાનું,
ઉડી શકાતું એમાં પણ...
જંજીર બાંધી હતી પગે મારે એક સોનાની...
હું મેના ગીતો ગાતી હવે ..

પણ.......
એ ગીતોમાં યાદ હતી એ જંગલની...
એ ગીતોમાં યાદ હતી એ ડાળીની....
એ ગીતોમાં યાદ હતી મુક્ત વિશાળ ગગનની....
એ ગીતોમાં યાદ હતી ઊંચી ઉડાનની.......

પણ હવે પિંજરાથી પ્રેમ કરી લીધો છે....
પિંજરે પૂરનારનાં પ્રેમમાં કેદ થઇ ગીત ગાતાં શીખી લીધું છે....

હું મેના હતી ક્યારેક વિશાળ મુક્ત ગગનની.........