પ્રાર્થના


હે પરમાત્મા- સંત ફ્રાંસિસની પ્રાર્થના


હે પરમાત્મા,
મને તારી શાંતિનું વાહન બનાવ.
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું.
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા
જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા
જ્યાં હતાશા છે ત્યાં આશા
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ
જ્યાં શોક છે ત્યાં આનંદ.
હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું
મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.
કારણ કે,
આપવામાં જ આપણને મળે છે;
ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.
મૃત્ય પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
                
સંત ફ્રાંસિસ               
                        




તે મને શીખવ

            
હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે કેમ જીવવું?
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી?
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?
તે મને શીખવ.
કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?
તે મને શીખવ.
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું?
ત મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?
તે મને શીખવ.
                

હે પરમ પ્રભુ


અમારા વિચારોને એટલા ઉદાર કરો કે
બીજાં માણસનું દ્રષ્ટિબિંદુ અમે સમજી શકીએ.
અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે
બીજાંઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.
અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે
બીજાંઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ.
અમારા હ્રદયને એટલું ખુલ્લું કરો કે
બીજાંઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.
અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે
પોતાના ને પારકાના ભેદથી ઓપર ઊઠી શકીએ.
હે પરમાત્મા,
અમારી દ્રષ્ટિને એટલી ઉજ્જવળ કરો કે
જગતમાં રહેલાં તમારાં સૌંદર્યો ને સત્યો અમે નીરખી શકીએ.
અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે
તમારા તરફથી અનેકવિધ રૂપમાં આવતા સંકેતો
પારખી શકીએ અને તમારું માર્ગદર્શન પામી શકીએ.
                            

  

પરમાત્માના અસ્તિત્વનું ગાન કરતી પ્રાર્થના


                           
કેટલાક લોકો માને છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહિ
અને આ વિરાટ વિશ્વની રમણા
એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.
તેઓ માને છે કે મનુષ્યે પોતાના આશ્વાસન અને આધાર માટે
ઈશ્વરની શોધ કરી છે.
જેથી તે,
ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે
અને સંકટો વચ્ચે ટકી રહી શકે.
પણ ભગવાન,
હું તો જાણું છું કે તમે છો. 
તમે છો તેથી તો હું છું, 
અને તેથી તો છે આ માધુર્યની અજસ્ર ધાર.
લોકો પોતાનામાં ડૂબેલાં રહે છે,
પોતાથી વીંટળાઈ રહે છે,
પોતાને જ જુએ છે ને પોતાનો જ વિચાર કરે છે-
તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.
તેઓ પોતાની વેદનાની વાતો કરે છે અને પોતાને માટે રડે છે;
પણ તમારે માટે છાની રીતે કોણે આંસુ વહાવ્યાં છે?
તમે તો ચોતરફ આવી રહેલા છો.
અમે જો અમારી જાતમાંથી જરાક બહાર નીકળીએ,
અમારી શતસહસ્ત્ર કામનાઓ, વેગો, ઉત્પાતોને બાજુએ મૂકીએ, 
અમારા મનનો કોલાહલ શાંત કરીએ
અને તમારો ઝીણો સ્વર સાંભળવા કાન માંડીએ,
એક દિવસ નહિ, થોડા દિવસ નહિ
રોજરોજ વિશ્વાસ, શ્રધ્ધા, પ્રેમથી તમારા ભણી ઉન્મુખ થઈએ,
પવિત્ર ને પ્રેમાળ
નિરહંકારી ને નિર્દંભ બનીએ
તો અમને જાણ થાય, ચોક્કસ જ જાણ થાય,
ભગવાન! કે તમે તો સાવ નજીક છો.
હ્રદયના ધબકાર જેટલા નજીક,
શરીરને અડતી હવા જેટલા સ્પર્શ્ય.
અમને જાણ થાય કે
અમારા પર તમારી કૃપા વરસાવવા
તમે પણ અમારી રાહ જોઈ રહ્યા છો.
પણ,
સંસારના રાજમાર્ગ પરથી પસાર થતા
લાખો-કરોડો લોકોને અચાનક અટકાવીને હું પૂછું:
જીવનમાં તમને શું જોઈએ છે?
તો કોણ મને પ્રેમભરપૂર સ્વરે જવાબ આપશે કે
મને બીજું કાંઈ નથી જોઈતું,
માત્ર ભગવાન જોઈએ છે!